બાપુની 150મી જન્મ જયંતી
‘મારે દુનિયાને નવું કશું જ નથી શીખવવું સત્ય અને અહિંસા તો અનાદિકાળથી ચાલ્યા આવે છે’ - ગાંધીજી મોહનદાસ કરમચંદ ઉત્તમચંદ ગાંધી. આ નામ ક્યારેય અજાણ્યું ન હોઈ શકે. દુનિયાની એકમાત્ર એવી વિભૂતિ કે જેના પર હજારો પુસ્તકો લખાયા છે. લાખો પાનાઓ લખાયા છે. દુનિયાની કદાચ એવી કોઈ લાઈબ્રેરી નહિ હોય જ્યાં ગાંધીનું પુસ્તક ન હોય. એવા ‘સાબરમતીના સંત’ કે જેણે ખરા અર્થમાં ‘ખડગ’ અને ‘ઢાલ’ વગર આ દેશની આઝાદીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. એક એવી દૃઢ, અચળ, અખંડ, સંકલ્પબદ્ધ, સ્વાભિમાની, દૃઢ નિશ્ચયી, પરોપકારી વિશ્વ વિભૂતિ કે જેણે માત્ર માનવતાનો રસ્તો ચીંધ્યો. ઉપરના વિધાનમાં ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક કહે છે કે સત્ય અને અહિંસા તો અનાદિ કાળથી ચાલ્યા આવે છે. મહાભારતનું યુદ્ધ પણ ધર્મયુક્ત યુદ્ધ હતું. એટલે કે તે ધર્મ અને અધર્મની સાથે સત્ય અને અસત્યની લડાઈ હતી. 2 ઓક્ટોબર, 2019ના રોજ ગાંધીજીના જન્મને 150 વર્ષ પૂર્ણ થયા. 2 ઓક્ટોબર, 1869ના દિવસે ભાદરવા વદ બારસના રોજ પૂતળીબાઈ ગાંધીની કૂખે એક વિશ્વવિભૂતિનું આ દુનિયામાં અવતરણ થયું તે વ્યક્તિ એટલે ‘મોહન’... રાજકોટમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ભાવનગરની શામળદાસ આટ્ર્સ કોલેજમાં એક સત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ વકીલાતના અભ્યાસ અર્થે વર્ષ 1888માં ઈંગ્લેન્ડ/વિલાયત ગયા. વર્ષ 1891માં વિલાયતથી પરત ફરી રાજકોટ અને મુંબઈ મુકામે એક અસફળ વકીલે તેના અસ્તિત્વનો સંઘર્ષ શરૂ કર્યો. વર્ષ 1893માં શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમણે કાળાગોરા ભેદોને દૂર કરવા અંગ્રેજો સામે મોરચો માંડ્યો. ખરા અર્થમાં ત્યાંથી જ તેમની ‘મોહન’માંથી ‘મહાત્મા’ બનવાની સફર શરૂ થઈ તેમ કહી શકાય. દક્ષિણ આફ્રિકામાં તેમણે ઈ.સ.1904થી ઈ.સ.1914 સુધી ‘ઈન્ડિયન ઓપિનિયન’ નામના સાપ્તાહિકનું સંપાદન કર્યું. ત્યાં થયેલા બોઅરના યુદ્ધમાં કામગીરી બદલ અંગ્રેજ સરકારે તેમને ‘કેસર-એ-હિન્દ’ની ઉપાધિ આપી. વર્ષો સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા બાદ 9 જાન્યુઆરી, 1915ના દિવસે તેઓ ભારત આવ્યા. ભારતમાં તેમણે ગોરા અંગ્રેજોના કાળા કરતૂતો સમજવાની શરૂઆત કરી. જેના પરિણામસ્વરૂપે તેઓએ અંગ્રેજો સામે સત્યાગ્રહની લડત શરૂ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. ત્યારબાદ ભારતમાં તેમણે પ્રથમ અને સફળ સત્યાગ્રહ વર્ષ 1917માં બિહારના ચંપારણ ખાતે કર્યો. જે ખેડૂતો માટે તીનકઠિયા પદ્ધતિ (જમીનના ત્રીજા ભાગ પર ફરજિયાત ગળીનું વાવેતર કરવાની ફરજ પાડતી પદ્ધતિ) દૂર કરવા અંગેનો હતો. આમ, આ સત્યાગ્રહ સફળ થતા લોકોમાં નવા ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા જ્યારે ભારતને એક નવા આગેવાન ‘મોહનદાસ ગાંધી’ મળ્યા. ચંપારણ સત્યાગ્રહ બાદ તેમણે ગુજરાતમાં પ્રથમ અને સફળ સત્યાગ્રહ કર્યો ખેડા સત્યાગ્રહ. જે પછી અમદાવાદ મિલ મજૂર હડતાળ, અસહયોગનું આંદોલન, સવિનય કાનૂન ભંગ અને હિન્દ છોડો આંદોલન વગેરેમાં તેમણે નેતૃત્વ લીધું. આખરે વિરોધીને પણ કશું નુકસાન ન પહોંચાડીને તેનો વિરોધ કરવાની અનોખી રીતથી લોકો ગાંધીજીથી ઘણા પ્રભાવિત થયા અને દેશને ‘મોહનદાસ કરમચંદ ગાંધી’ના રૂપમાં એક ‘મહાત્મા’ મળ્યા. સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના ઘણા વિરોધીઓ પણ હતા. 30 જાન્યુઆરી, 1948ને શુક્રવારના રોજ નવી દિલ્હી સ્થિત બિરલા ભવન ખાતે નથુરામ ગોડસેએ ગોળી મારી મહાત્મા ગાંધીના આત્માને માત્ર તેમના શરીરથી દૂર કર્યો પરંતુ તે પહેલાં દુનિયાને તેઓ સત્ય અને અહિંસાનો દૃઢપથ બતાવી ચૂક્યા હતા. હે રામ !